These ghazals are crafted by the great Gujarati ‘Shayar and Ghazal-Writer’ Jalan Matri saheb… He is known for his shayaris and ghazals which portray his clash and conflict with GOD – કુદરત…
****************************************************************
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી;
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી;
શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી;
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી;
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
****************************************************************
દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ માટે,
કરે છે ધમપછાડા લોક જીવન જીવવા માટે;
વખત પર ના ફળી જ્યારે દુઆ તો ભેદ સમજાયો,
કે બાજુમાંથી ઊઠ્યા’તા ઘણા હાથો દુઆ માટે;
છતાં અફસોસ કે જઈ માનવી ફેંકાય દોઝખમાં,
નહીંતર સ્વર્ગ ક્યાં સર્જ્યું છે તેં તારા ભલા માટે;
છે એનો સ્પષ્ટ મતલબ કે ખુદા ખુદ મૂડીવાદી છે,
મુકદ્દ્રર એકસરખા હોત ના નહીંતર બધા માટે;
બધા ઝગડાની જડ પણ તું જ, જિમ્મેદાર તું ઈશ્વર,
તું ધારત તો ન હોતે ધર્મ અહીં એક જ બધા માટે;
કોઈનો એબ જોવા વેડફો ના તેજ આંખોનું,
કે એણે આંખ આપી છે તો સારું દેખવા માટે;
હકૂમતના જ હાથોમાં જો હોતે જળ, હવા, ઓજસ,
‘જલન’ તકલીફ પડતે ખૂબ જીવન જીવવા માટે.
******************************************************************
Soham
Recent Comments